કુનરિયા ખાતે વિકસિત ભારત સંકલ્પ યાત્રા કાર્યક્રમમાં વડાપ્રધાનશ્રીના વર્ચ્યુઅલ સંબોધનને નિહાળતા ગ્રામજનો
કુનરિયા ખાતે વિકસિત ભારત સંકલ્પ યાત્રા કાર્યક્રમમાં વડાપ્રધાનશ્રીના વર્ચ્યુઅલ સંબોધનને નિહાળતા ગ્રામજનો
*વિકસિત ભારત સંકલ્પ યાત્રાથી નાગરિકોને સરકારશ્રીની વિવિધ યોજનાઓનો લાભ એક જ જગ્યાએ મળી રહે છે - સાંસદશ્રી વિનોદભાઈ ચાવડા*
*સરકારશ્રીની કલ્યાણકારી યોજનાઓથી વિકસિત ભારતનું નિર્માણ કરવામાં સહભાગી બનવા ધારાસભ્યશ્રી કેશુભાઈ પટેલનો અનુરોધ*
*વિકસિત ભારત સંકલ્પ યાત્રા અંતર્ગત કચ્છના કુનરિયા ગામે લાભાર્થીઓને વિવિધ યોજનાના લાભો હાથોહાથ અપાયા*
આજરોજ કચ્છ જિલ્લાના ભુજ તાલુકાના કુનરિયા ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રા અંતર્ગત પાત્રતા ધરાવતા નાગરિકોને સરકારશ્રીની વિવિધ યોજનાઓનો લાભ આપવા અંગેનો કાર્યક્રમ યોજાયો હતો. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ દેશના વિવિધ રાજ્યોના વિકસિત ભારત સંકલ્પ યાત્રા અંતર્ગત લાભાન્વિત લાભાર્થીઓ સાથે વર્ચ્યુઅલી સંવાદ કર્યો હતો. જેનું જીવંત પ્રસારણ કુનરિયા ખાતે ઉપસ્થિત સૌ મહાનુભાવો અને ગ્રામજનોએ નિહાળ્યું હતું.
કુનરિયા ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રા રથ આવી પહોંચતા કચ્છ મોરબી સાંસદશ્રી વિનોદભાઈ ચાવડા અને જિલ્લા પંચાયત પ્રમુખશ્રી જનકસિંહ જાડેજા સહિત મહાનુભાવોએ રથને આવકાર્યો હતો. મહાનુભાવોની ઉપસ્થિતિમાં કુમકુમ તિલક કરીને રથનું સ્વાગત કરવામાં આવ્યું હતું. રથમાં વડાપ્રધાનશ્રીનો રેકોર્ડેડ સંદેશ અને ઓપનીંગ મૂવી સૌ ઉપસ્થિતોએ નિહાળી હતી.
આ પ્રસંગે કચ્છ મોરબી સાંસદશ્રી વિનોદભાઈ ચાવડાએ જણાવ્યું હતું કે, વડાપ્રધાનશ્રીના વિઝન અંતર્ગત પાત્રતા ધરાવતા નાગરિકોને લાભ આપવા માટે દેશમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. રાજ્ય અને કેન્દ્ર સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓનો લાભ એક જ સ્થળે મળી રહે તેવું આયોજન આ વિકસિત ભારત સંકલ્પ યાત્રા અંતર્ગત કરાયું છે. વિકસિત ભારત સંકલ્પ યાત્રા રથ જ્યારે કચ્છના ગામડાઓમાં આવે ત્યારે સરકારશ્રીની યોજનાઓનો મહત્તમ લાભ લેવા નાગરિકોને સાંસદશ્રીએ અનુરોધ કર્યો હતો.
ભુજના ધારાસભ્યશ્રી કેશુભાઈ પટેલે આ પ્રસંગે જણાવ્યું કે, સરકાર સહિયારા પ્રયત્નોથી તમામ લાભાર્થીઓને લાભ આપવા માટે પ્રતિબદ્ધ છે. ગામડે ગામડે પાત્રતા ધરાવતા નાગરિકોને શોધીને તેમને હાથોહાથ લાભ આપવામાં આવી રહ્યો છે. સરકારની કલ્યાણકારી યોજનાઓથી ગામડાઓ સદ્ધર બને અને ભારત વિકસિત બને તે દિશામાં સૌને સહયોગ આપવા ધારાસભ્યશ્રીએ અપીલ કરી હતી.
આ કાર્યક્રમમાં સ્વાગત પ્રવચન કરીને જિલ્લા કલેક્ટરશ્રી અમિત અરોરાએ સૌને આવકાર્યા હતા. શ્રી અરોરાએ કાર્યક્રમના આયોજન અંગેની વિગતો આપીને લાભાર્થીઓને સરકારી યોજનાઓનો લાભ લેવા અપીલ કરી હતી.
મહાનુભાવોના હસ્તે કુનરિયા ગામના વિવિધ લાભાર્થીઓને ટેક્ટ્રર ખરીદીમાં સબસિડી સહાય, પ્રધાનમંત્રી આયુષ્માનકાર્ડ, પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના અને સખી મંડળને સ્ટાર્ટ અપ ફંડ વગેરેના લાભ આપવામાં આવ્યા હતા. પ્રાકૃતિક ખેતી અપનાવવા ધરતી કરે પુકાર... કૃતિ રજૂ કરવામાં આવી હતી. બાલિકા પંચાયતના સભ્યોનું પ્રમાણપત્ર આપીને સન્માન કરવામાં આવ્યું હતું. કુનરિયા ગામમાં ઓડીએફ પ્લસ અને હર ઘર જલના લક્ષ્યાંકને હાંસલ કરવા બદલ સરપંચ શ્રીમતિ રશ્મિબેન છાંગાને પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યું હતું. પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત ઘર બનાવવા માટે સહાય મળતા ગામના રહેવાસી શ્રી નિતેશભાઈ ડાંગરે પોતાના પ્રતિભાવ આપીને સરકારશ્રીનો આભાર વ્યક્ત કર્યો હતો. કુનરિયા ગામના ઉપ સંરપચશ્રી સુરેશભાઈ છાંગાએ કાર્યક્રમના અંતે આભારવિધિ કરી હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલનશ્રી મનનભાઈ ઠક્કરે કર્યું હતું.
વિકસિત ભારત સંકલ્પ યાત્રાના આગમન કાર્યક્રમ સમયે મહત્તમ લાભાર્થીઓને સ્થળ ઉપર જ લાભ મળી રહે તે ઉમદા હેતુસર પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના કેમ્પ, રેડ ક્રોસના સહયોગથી આરોગ્ય વિભાગ દ્વારા બ્લડ ડોનેશન કેમ્પ, આયુષ કેમ્પ, પીએમ વિશ્વકર્મા યોજના, પોષણ યોજના, પ્રાકૃતિક ખેતી વેચાણ અને માર્ગદર્શન કેમ્પ, સ્વામિત્વ યોજના, ખેતીવાડીની યોજનાઓ, પશુપાલન સહાય અને મહિલા બાળ વિકાસની યોજના, મિશન મંગલમ સહિત યોજનાઓના કેમ્પ રાખવામાં આવ્યા હતા.
આ પ્રસંગે જિલ્લા પંચાયત સામાજિક ન્યાય સમિતિના ચેરમેનશ્રી કુંવરબેન મહેશ્વરી, ભુજ તાલુકા પંચાયતના પ્રમુખશ્રી વિનોદભાઈ વરસાણી, જિલ્લા પંચાયતના સદસ્યશ્રી દામજીભાઈ ચાડ, જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખશ્રી પારૂલબેન કારા, અગ્રણી સર્વેશ્રી દેવજીભાઈ વરચંદ, દિલિપભાઈ શાહ, નરેન્દ્રભાઈ પ્રજાપતિ, જયંતભાઈ માધાપરિયા, હઠુભા જાડેજા, લક્ષ્મણભાઈ મેરિયા, હિતેશભાઈ ગોસ્વામી, જિલ્લા વિકાસ અધિકારીશ્રી એસ.કે.પ્રજાપતિ, ડીઆરડીના નિયામકશ્રી આર.કે.ઓઝા, ભુજ પ્રાંત અધિકારીશ્રી અનિલ જાદવ સહિત પદાધિકારીશ્રીઓ, અધિકારીશ્રીઓ અને ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
Comments
Post a Comment